ઘણાં પાણી પર બેઠેલી ગણિકાને સજા
1 જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, ‘અહીં આવ, અને જે મોટી ગણિકા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. 2 તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’"
3 પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. 4 તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.