બાર પ્રેરિતોને અધિકાર આપ્યો
1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.
માર્ક 6:7-13; લૂક 9:1-6