સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો
19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
શરીરનો દીવો
લૂક 11:34-36
22 શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
ઈશ્વર અને મિલકત
લૂક 16:13; 12:22-31
24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.