માથ્થીનું શિષ્ય તરીકે તેડું
9 ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામના એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.
10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, "તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?"
12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, "જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13 પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું."
માર્ક 2:18-22; લૂક 5:33-39