યોહાનના શિષ્યો ઈસુની પાછળ જાય છે
35 બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન!"
37 જયારે તેનાં બે શિષ્યોએ તેને એમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓ ઈસુની પાછળ ગયાં. 38 તેઓને પોતાની પાછળ આવતાં જોઈને ઈસુએ પૂછયું, "તમારે શું જોઈએ છે?"
તેઓએ પૂછયું, "રાબ્બી, તમે કયાં રહો છો?"
39 તેમણે જવાબ આપ્યો, "આવો અને તમે જોશો."
તેથી તેઓ ગયા અને તેઓ જયાં રહેતા હતા તે જોયું, અને તે દિવસ તેઓએ તેમની સાથે વિતાવ્યો. બપોરનાં લગભગ ચાર વાગ્યા હતા.
40 તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો, કે જેણે યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયો. 41 આંદ્રિયાએ સૌથી પહેલું કામ એ કયુઁ કે પોતાના ભાઈ સિમોનને શોધીને કહ્યું, "અમને મસીહ મળ્યાં છે." 42 અને તે તેને ઈસુ પાસે લઈ આવ્યો.
તેની તરફ જોઈને ઈસુએ કહ્યું, હા "તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે" (જેનો અથઁ પિતર છે).
ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યું. તેમણે ફિલિપને શોધીને કહ્યું, "મારી પાછળ આવ."
44 ફિલિપ તો બેથસૈદાનો એટલે આન્દ્રિયા અને પિતરના શહેરનો હતો. 45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, "જેમનાં વિશે મોશે તથા પ્રબોધકોએ લખેલું છે, એટલે નાઝરેથના ઈસુ, યોસેફના દીકરા અમને મળ્યાં છે."
46 "નાઝરેથ! શું તેમાંથી કંઇ સારું નીકળી શકે? નથાનિયેલે પૂછયું."
ફિલિપે કહ્યું, "આવીને જો."
47 જયારે ઈસુએ નથાનિયેલને પોતાની પાસે આવતો જોયો અને, તેને વિશે કહે છે, "જુઓ! આ સાચો ઇઝરાયેલી છે તેનામાં કંઇ પણ કપટ નથી."
48 નથાનિયેલે પૂછયું, "તમે મને કેવી રીતે ઓળખો છો?"
ઈસુએ જવાબ આપ્યો, "ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મે તને જોયો."
49 ત્યારે નથાનિયેલે જાહેર કયુઁ, "રાબ્બી, તમે ઈશ્વરપુત્ર છો! તમે ઇઝરાયેલનાં રાજા છો!"
50 ઈસુએ કહ્યું, "મેં તને અંજીરી નીચે જોયો એવું મે તને કહ્યું માટે તું વિશ્વાસ કરે છે. તું આના કરતાં પણ વધારે મોટી બાબતો જોશે." 51 પછી તેમણે એ પણ કહ્યું "હું તમને સાચે જ કહું છું કે તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરાને ચઢતાં અને ઊતરતાં જોશો."