રૂપાંતર
1 છ દિવસ પછી પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને પોતે લઈને ઈસુ તેઓને એક ઊંચા પર્વત પર લઇ ગયા. 2 ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશ્યો, અને તેમનાં વસ્ત્રો પ્રકાશ જેવાં ઉજળાં થયાં. 3 એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા તેઓને દેખાયા.
4 પિતરે ઈસુને કહ્યું, "પ્રભુ! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે."
5 જયારે હજુ તો તેઓ બોલતા હતા, એટલામાં એક ચળકતાં વાદળે તેઓના પર છાયા કરી. અને વાદળમાંથી વાણી થઇ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું; તેના પર હું પ્રસન્ન છું. તેમનું સાંભળો."
6 જયારે શિષ્યોએ આ સાંભળ્યું, ભયભીત થઈને ઊંધે મોઢે જમીન પર પડયાં. 7 પણ ઈસુએ આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું, "ઊઠો! બીશો નહિ." 8 જયારે તેઓએ ઉપર જોયું, તો કેવળ ઈસુ સિવાય કોઇને જોયા નહિ.
9 જયારે તેઓ પર્વત પરથી નીચે ઊતરતાં હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું, "જયાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી તમે જે જોયું તે તમે કોઇને કહેતા ના."
10 શિષ્યોએ તેમને પૂછયું, "તો પછી નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?"
11 ઈસુએ જવાબ આપ્યો, "એલિયા આવે છે ખરો, અને બધું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું, એલિયા તો આવી ચૂકયો છે, અને તેઓએ તેને ઓળખ્યો નહિ. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. એ જ પ્રમાણે માણસના દીકરાએ પણ તેઓના હાથે સહન કરવું પડશે." 13 ત્યારે શિષ્યો સમજ્યાં કે તેઓ યોહાન બાપ્તિસ્ત વિષે તેમને કહેતા હતા.