કબર પર ચોકીપહેરો
62 તૈયારીના બીજે દિવસે, મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે."
65 પિલાતે તેઓને કહ્યું, "સૈનિકો લો, જાવ ને તમારાથી બને તેઓ જાપ્તો રખાવો." 66 તેથી તેઓ ગયા ને પથ્થર પર મુદ્રા મારી અને ચોકીદારો ગોઠવીને કબરને સુરક્ષિત કરી.