10 હવે દમાસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, "અનાન્યા!"
તેણે જવાબ આપ્યો, "હા પ્રભુ!"
11 પ્રભુએ તેને કહ્યું, "ઊઠીને પાધરા નામનાં રસ્તામાં જઈને યહૂદા નામનાં માણસના ઘરે જા અને તાર્સસનાં શાઉલ વિષે પૂછ, જો તે પ્રાર્થના કરે છે. 12 તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ આવીને તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, જેથી તે દેખતો થાય."
13 અનાન્યાએ ઉત્તર આપ્યો, "પ્રભુ! મેં આ માણસ વિશે ઘણી વાતો સાંભળી છે અને યરુશાલેમમાંના તમારા પવિત્ર લોકો પર તેણે જે દુષ્ટતા કરી છે તેના વિશે પણ સાંભળ્યું છે. 14 મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઇને તે અહીં આવ્યો છે કે જેઓ તમારા નામ પર વિશ્વાસ કરે છે તેઓને પકડે."
15 પરંતુ પ્રભુએ અનાન્યાને કહ્યું, "જા! આ માણસને મેં પસંદ કયોઁ છે, જેથી તે બિનયહૂદીઓ તેમના રાજાઓ તથા ઇઝરાયેલી લોકોને મારું નામ પ્રગટ કરી શકે. 16 અને મારા નામને લીધે તેને કેટલું બધું સહન કરવું પડશે તે હું તેને બતાવીશ."
17 ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, "ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય." 18 એ જ વખતે તેની આંખો પરથી છાલા જેવું કાંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો, પછી તે ઉભો થયો ને બાપ્તિસ્મા પામ્યો. 19 અને થોડું ખાધા પછી તે ફરીથી તેનામાં શકિત આવી.
શાઉલ દમાસ્કસમાં અને યરૂશાલેમમાં
શાઉલ કેટલાક દિવસો સુધી શિષ્યો સાથે તે દમાસ્કસમાં રહ્યો.